માઁ – મારા મનનો બળાપો , સાંભળ!

માઁ , અધૂરી લાગતી જીંદગી અઘરી લાગે છે,
જિંદગી ગળા નીચે ઉતારી નથી શકાતી કે
બહાર કાઢી નથી શકાતી ,
દુનિયા કે છે નીલકંઠ બન!

હું શું બનવા નીકળ્યો છું? , માઁ!
સવાલ તો ત્યાં જ ઉભો છે હજુ,
પણ જિંદગી જવાબો માંગે છે,
શરત એટલી કે સવાલ મારા નઇ પણ એના છે!!

હવે , હું ‘હું ‘ રહ્યો જ નથી..
હું એટલે જડ હાડમાંસનો પૂતળો છું
જ્યાં મન અને મગજ બે અજાયબીનો ટકરાવ છે,
માઁ તારી અપેક્ષાઓ તે કીધી નથી ,
પણ તારી આંખ અને પગના તળિયામાં કેટલાં નકશાઓ છે એ મેં જોયા છે!

અફસોસ તું એકલી જ રઇ ગઈ રસ્તાની ,અધવચ્ચે!

માઁ, હું કંઈ આપી નઇ શકું હવે ,
જો મારુ અસ્તિત્વ જ જો તારી ખુશી હોય તો ,
તું ખુશ રહેજે!

આ ધરતી પર હું વિચારો કરી શકું,
એ પહેલાં જ તે મને લાગણીની ભીનાશ આપી,
મારી સાથે એ જ છે આજ દિન સુધી..
માટીમાં મળું ત્યારે એ મારી ભેગી જશે !
આ પ્રેમ , તારા હાથના વ્હાલનો વરસાદ
મને લાયક સમજ્યો એ માટે આભારી રહીશ!!
શબ્દ આભાર શું છે? તું જાણતી જ નઇ હોઈ કેમ?
કે આવો વ્હાલ અને પ્રેમ વિના શરતો આપ્યો મને,

માઁ , નાનું નામ પણ મારું તો આખું આભ તું બની!
માઁ, તારું કાળજું શાનું બનેલું છે?
સોદાગરોથી ભરેલી દુનિયા શું મૂલ્ય કાઢી શકશે?

માઁ , શીખી ગયો હું કઈંક,
નિખાલસતાથી માંગતો હું બાળક
આજે દંભી બની ખુશ દેખાતો થઈ ગયો,
મારો અવાજ પારખી મારી વ્યથા જાણતી
હવે તો તું પણ થાપ ખાવા માંડી,
માઁ , નકકી હું હવે કઈંક શીખી ગયો!

આ જ પૂર્ણ જીવન છે તો હું અધૂરો છું, માઁ!
માઁ , બસ એક જ શબ્દ છે શ્વાસમાં આજે – માઁ!

Dhola Jaykumar
જયકુમાર ઢોલા એટલે હું એક એવો યુવાન જે પોતે નિયતિ દ્વારા મળેલી ઘટનાઓને અને ક્ષણો ને મન મુકીને જીવે છે અને એક ભૂલ કરું છું ," સવાલો કરવાની આ નિયતિને "પણ જવાબોમાં પામું છું મારા જ ભાવનાઓને વર્તુળમાં રચાતા શબ્દો અને વાક્યો...બસ, આ વેબસાઈટ માં આ શબ્દોને નિખાલસતાથી અભિવ્યક્ત કરવા માગું છું .. મારી ઓળખાણ મારા શબ્દો કે મારું અસ્તિત્વ મને જે રીતે આપે છે એને શબ્દોથી વાચા આપવાનો નિર્દોષ ઉદેશ્ય છે એટલે એક વાચક તરીકે મારી આટલી ઓળખાણ તમને પૂરતી છે મારા મતે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *